નવી દિલ્હી, તા. ૧૦
- પૃથ્વી, સેટેલાઇટ અને સૂર્ય એક સીધી રેખામાં આવતાં આ ઘટના બને છે
- ચાલુ વર્ષે ૧૮મી માર્ચ સુધી તેની અસર જોવા મળશે
સનઆઉટેજ તરીકે ઓળખાતી ખગોળીય ઘટનાને કારણે અસંખ્ય ટીવી ચેનલનાં પ્રસારણ ઉપર અસર જોવા મળી હતી. સનઆઉટેજને કારણે ડાયરેક્ટ ટુ હોમ(ડીટીએચ) ઉપર આધારિત કેટલીક ટીવી ચેનલ્સનું પ્રસારણ સંપૂર્ણ ખોરવાઈ ગયું હતું તો કેટલીક ટીવી ચેનલની પિક્ચર ક્વોલિટી નબળી જોવા મળી હતી. નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના સભ્યોને પણ સનઆઉટેજના સમયગાળા સિવાય ટ્રેડિંગ કરવા સલાહ આપવામાં આવી હતી. વર્ષમાં બે વખત સનઆઉટેજની ઘટના સર્જાતી હોય છે. ચાલુ વર્ષે સનઆઉટેજની અસર ૫મી માર્ચથી વર્તાવવાની ચાલુ થઈ હતી, જે આગામી ૧૮મી માર્ચ સુધી જોવા મળશે.
નેશનલ સ્ટોક એક્સ્ચેન્જે જણાવ્યું હતું કે, ઇસરો દ્વારા તેમને ચેતવણી આપવામાં આવી છે કે સનઆઉટેજને કારણે ૫મી માર્ચથી ૧૮મી માર્ચ ૨૦૧૩ દરમિયાન ઇન્સેટ-૩એ અને ઇન્સેટ-૩ઈ સેટેલાઇટ ઉપર જુદા જુદા સમયે અસર પહોંચશે. સનઆઉટેજને કારણે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના સભ્યોને પણ કનેક્ટિવિટીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સનઆઉટેજને કારણે ટીવી ચેનલની પ્રસારણ સેવા ઉપર અસર જોવા મળે છે. કેટલીક ટીવી ચેનલને સેટેલાઇટમાંથી સિગ્નલ મળતા બંધ થઈ જવાને કારણે તેનું પ્રસારણ અટકી જાય છે જ્યારે કેટલીક ટીવી ચેનલના આઉટપુટ પિક્ચર ક્વોલિટી ખૂબ જ બગડી જાય છે.
સનઆઉટેજ કેવી રીતે સર્જાય છે ?
પૃથ્વી, સેટેલાઇટ અને સૂર્ય એક જ સીધી લીટીમાં આવવાથી સનઆઉટેજની સમસ્યા સર્જાય છે. પૃથ્વી પરથી મોકલાયેલા સિગ્નલ્સ સેટેલાઇટ મેળવે છે અને તેને ફરીથી પૃથ્વી પર ગોઠવાયેલા રિસિવરને મોકલવામાં આવે છે. આ રિસિવરમાંથી પ્રસારણ કરવામાં આવતું હોય છે. સનઆઉટેજના સમયગાળા દરમિયાન પૃથ્વી અને સેટેલાઇટની વચ્ચે આદાનપ્રદાન થતાં સિગ્નલમાં સૂર્યનાં રેડિએશનને કારણે વિક્ષેપ સર્જાય છે. સેટેલાઇટની પાછળ રહેલાં સૂર્યનાં વિકિરણો એટલાં બધાં પ્રબળ હોય છે કે તે સેટેલાઇટમાંથી પૃથ્વી પર મોકલવામાં આવતા સિગ્નલ પર હાવી થઈ જાય છે. પૃથ્વી, સેટેલાઇટ અને સૂર્યની એક સીધી લીટીમાં આવવાની ઘટના વર્ષમાં બે વખત, માર્ચ અને સપ્ટેમ્બર મહિનાની આસપાસ બનતી હોય છે, ઉપરાંત પૃથ્વીના ઉત્તર અક્ષાંશ પર આવેલા અને દક્ષિણ અક્ષાંશ પર આવેલા વિસ્તારોમાં સનઆઉટેજનો સમયગાળો જુદો જુદો હોય છે.
સનઆઉટેજને કારણે ઊભી થતી સમસ્યા ?
પૃથ્વી પર સેટેલાઇટ આધારિત ગોઠવાયેલી કોમ્યુનિકેશન સિસ્ટમને સનઆઉટેજની સમસ્યાનો સામનો કરવો પડે છે. દિવસ દરમિયાન જ્યારે સનઆઉટેજની સમસ્યા સર્જાય ત્યારે સેટેલાઇટ આધારિત ગોઠવાયેલા સંદેશા વ્યવહારનાં ઉપકરણોને ૧૫ મિનિટ સુધી જુદા જુદા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલીક વખત સૂર્યનું રેડિએશન સેટેલાઇટના સિગ્નલ ઉપર એટલું બધું હાવી થઈ જાય છે કે તેનું સમગ્ર પ્રસારણ જ ખોરવી નાખે છે, જોકે આ સમસ્યા ટૂંકા ગાળાની છે અને સનઆઉટેજ દૂર થતાં જ પુનઃ પ્રસારણ શરૂ થઈ જાય છે.
No comments:
Post a Comment