વોશિંગ્ટન, તા. ૧૧
- સુપરસેન્ડી બાદ અમેરિકામાં વારંવાર વાતાવરણ બગડવાની શક્યતા
- ગયું વર્ષ અમેરિકનો માટે અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થયું
- પ્રદ્ષણની વર્તમાન માત્રા જળવાઈ રહે તો ૨૧૦૦માં સી-લેવલ ૬.૬ ફૂટ વધી જશે
વૈજ્ઞાનિકો દ્વારા ગ્લોબલ ર્વોર્મિંગની વર્તમાન ગંભીર અસરો અને તેના દુરોગામી દુષ્કર પરિણામો બાબતે લોકોને વારંવાર ચેતવવામાં આવે છે પણ લોકોની તેના પર કોઈ અસર પડતી નથી. ખાસ કરીને અમેરિકા, ચીન, ભારત, રશિયા અને બ્રિટન જેવા મોટા દેશોમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક છે, જો દુનિયાના આવા દેશોમાં પ્રદૂષણની માત્રા આવી રીતે જ રહેશે તો લોકોએ તેનું ગંભીર પરિણામ ભોગવવું જ પડશે, અમેરિકાની વાત કરીએ તો વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે છેલ્લા કેટલાક સમયમાં ગ્લોબલ ર્વોમગમાં થયેલા વધારાને કારણે અમેરિકાની આસપાસના દરિયા અને મહાસાગરોનું સી-લેવલ વધી રહ્યું છે, જોકે આ લેવલ વધવાનું પ્રમાણ સાવ નહીવત્ છે પણ જો આ બાબતે ગંભીરતા ન દાખવવામાં આવી તો આવનારાં વર્ષોમાં અમેરિકામાં જળબંબાકાર હશે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, બોસ્ટન અને અન્ય ઘણાં શહેરો પાણીની અંદર ચાલ્યાં ગયાં હશે.
આવી જ ગંભીર બાબત પ્રત્યે લોકોનું ધ્યાન દોરવા માટે નિકોલે લેમ નામના ૨૪ વર્ષના સંશોધક અને આર્િટસ્ટ દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે, તેણે પાંચ સદી બાદ અમેરિકા કેવું હશે તેના કાલ્પનિક ફોટોગ્રાફ તૈયાર કર્યા છે, તેમાં તેણે બતાવ્યું છે કે અત્યારે અમેરિકામાં જે જાણીતાં શહેરો અને પર્યટન સ્થળોમાં ૨૫ ફૂટ જેટલું દરિયાનું પાણી ભરાઈ જશે. તેનો સીધો અર્થ થયો કે જ્યાં સ્થળ છે ત્યાં જળ થઈ જશે. આ બાબતે જ લોકોને જાગ્રત કરવા માટે તેણે આ પોસ્ટરો બનાવ્યાં છે. તેણે જણાવ્યું કે આ સી-લેવલ વધવા માટે સદીઓ પસાર થઈ જશે પણ આ બાબતે અત્યારથી જ કાળજી રાખવામાં આવે તે જરૃરી છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણે જાગ્રત હોઈશું તો આપણી આગળની પેઢીને સારું અને સ્વસ્થ ભવિષ્ય આપી શકીશું.
અમેરિકન નેશનલ ક્લા્ઇમેટ અસેસમેન્ટ દ્વારા થોડા સમય પહેલાં જ જાહેરાત કરવામાં આવી હતી કે ગ્લોબલ ર્વોિંમગનું સ્તર વધી રહ્યું છે, તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેને કારણે અમેરિકાને હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટરસપ્લાય, એગ્રિકલ્ચર અને અન્ય ઘણી બાબતો પર અસર પડી રહી છે. ખાસ કરીને અમેરિકાનું વાતાવરણ બદલાવવું અને વારંવાર વાવાઝોડા આવવાં તે ગ્લોબલ ર્વોિંમગનું જ પરિણામ છે. છેલ્લી અડધી સદીમાં અમેરિકામાં જે પેટ્રોલ, ડીઝલ અને અન્ય બળતણોની જે રીતે વપરાશ થઈ તે જોતાં લાગે છે કે જો યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો સ્થિતિ વધારે ખરાબ થતી જશે. થોડા સમય પહેલાં સુપરસ્ટોર્મ સેન્ડીએ જે રીતે અમેરિકાને ધમરોળ્યું તેના વિશે કહેવામાં આવે છે કે આ નવું પરિવર્તન છે અને હવે અમેરિકા માટે તે સામાન્ય બાબત થઈ જશે, તે ઉપરાંત ગયું વર્ષ અમેરિકનો માટે સૌથી ગરમ વર્ષ રહ્યું હતું, જે રીતે દુનિયામાં પ્રદૂષણનું પ્રમાણ વધશે તેમ સમસ્યા વધતી જશે. એક અંદાજ પ્રમાણે પ્રદૂષણનું સ્તર જે અત્યારે છે તે જળવાઈ રહે તો ૨૧૦૦ની સાલમાં અમેરિકામાં સી-લેવલ ૬.૬ ફૂટ વધી ગયું હશે, તેને આધારે આવનારાં ૧૦૦થી ૩૦૦ વર્ષમાં આ સ્તર ૨૫થી ૩૦ ફૂટ થઈ જશે.
અન્ય અસરો
- તામપાનમાં વધારો અને ઋતુચક્રમાં ફેરફાર તેની મુખ્ય અસરો છે.
- આગામી સમયમાં દરેક ઋતુ વધારે લંબાતી જશે અને અનિયમિત થઈ જશે.
- વાતાવરણ બદલાવાથી લોકો વધારે બીમાર પડતાં થશે.
- દાવાનળ ફાટવા અને હવાનાં પ્રદૂષણમાં અધધ વધારો થવો સામાન્ય થઈ જશે.
- જીવજંતુઓ, હવા અને પાણીથી ફેલાતા રોગોમાં વધારો થશે.
- પાણીનો પુરવઠો ઘટતો જશે અને અનિયમિત થઈ જશે.
- પાણી મેળવવા માટે કાયદાકીય જંગ થશે.
- સી-લેવલ વધવાથી વાવાઝોડાનું પ્રમાણ અને સંખ્યામાં વધારો થશે.
- તાપમાન ક્યારેક સખત વધારે તો ક્યારેક સખત ઓછું થઈ જશે.
- સમુદ્રો વધારે ગરમ અને એસિડિક થતાં જશે.