Saturday, January 5, 2013

ચોથી વિજ્ઞાનનીતિની જાહેરાત


કોલકાતા, તા. ૩
યુપીએ સાથે છેડો ફાડયા બાદ પહેલીવાર મનમોહન અને મમતા એક મંચ પર દેખાયાં
વડાપ્રધાન મનમોહનસિંહે ગુરુવારે કોલકાતામાં યોજાયેલી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ ખાતે દેશની નવી વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધનનીતિ જાહેર કરી હતી. યુપીએ સરકારમાંથી છેડો ફાડયા બાદ સૌ પ્રથમ વખત મનમોહનસિંહ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી એક જ મંચ પર ભેગાં થયાં હતાં. વડાપ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે જાહેર કરાયેલી વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધનનીતિ વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતને ટોચની પાંચ વૈજ્ઞાનિક સત્તાઓમાં સ્થાન મેળવવા પ્રેરિત કરે છે. આ એક મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય છે. આ નીતિ હેઠળ વિજ્ઞાન ક્ષેત્રે કૌશલ્ય વિકસાવવાની, યુનિ.ઓમાં સંશોધનને પ્રોત્સાહન આપવાની અને યુવા નેતાઓનો આ ક્ષેત્રમાં વિકાસ કરવાનું આયોજન છે.
ઉપરાંત સંશોધન ક્ષેત્રે ખાનગી એકમોની ભાગીદારી માટે સર્જનાત્મક વાતાવરણ પૂરું પાડવાનું પણ ધ્યેય રખાયું છે. વધુમાં આ નીતિ અંતર્ગત નક્કી કરાયેલાં ધ્યેયો પ્રાપ્ત કરવા માટે આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ભાગીદારી અને સહકાર સ્થાપવામાં આવશે. નવી વિજ્ઞાનનીતિ હેઠળ પર્યાવરણીય ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપવા અને વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધન ક્ષેત્રે જાતિસમાનતા પ્રાપ્ત કરવાનું આયોજન રખાયું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતના ઝડપી, સ્થાયી અને સમાવેશી વિકાસ માટેનાં મહત્ત્વાકાંક્ષી લક્ષ્યને પહોંચી વળવાની બાબતો નીતિમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
મનમોહનસિંહે જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેક્નોલોજી સહિત તમામ સરકારી નીતિઓ માટે કૃષિક્ષેત્રે પરિવર્તનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જરૂરી છે. વંચિતોની જરૂરિયાત પૂરી કરવા માટે તથા અમીર અને ગરીબ વર્ગની વચ્ચે વધી રહેલી ખાઇ ઓછી કરવા માટે વિજ્ઞાનન્ત્ સાધનોનો ઉપયોગ કરવો જોઇએ.
વૈજ્ઞાનિકો લોકો સુધી પહોંચે : રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ગુરુવારે વિજ્ઞાન સમુદાયને જણાવ્યું હતું કે તેઓ આધૂનિક સાધનોનાં માધ્યમથી સંવાદ સ્થાપિત કરે જેથી દેશનાં સામાન્ય લોકો પણ તેને સમજી શકે અને દેશમાં વૈજ્ઞાનિક સંસ્કૃતિનું નિર્માણ થઈ શકે. ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરતી વખતે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન પ્રત્યે સામાન્ય અને રાજકીય સમજ હોવી જરૂરી છે. પાંચ દિવસ ચાલનારા સમારોહમાં છ નોબલ પ્રાઇઝ વિજેતા, વિદેશના ૬૦ વૈજ્ઞાનિકો અને ૧૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે.

No comments:

Post a Comment